Thursday, February 3, 2011

રત્નાકરમાંથી વાલ્મિકી

રત્નાકરમાંથી વાલ્મિકી

સંસારના મહાન કવિ વાલ્મિકી ! એકલા મહાન કવિ નહિ પરંતુ આદિકવિ.
ભારતવર્ષના જ નહિ પરંતુ સમસ્ત સંસારના.
મહીમંડળના પ્રાતઃસ્મરણીય આર્ષદૃષ્ટા ઋષિવર.
એ પરમાત્મદર્શી આપ્તકામ ઋષિવર કેવી રીતે બન્યા તેની પાછળ નાનકડો છતાં મહામૂલ્યવાન અને ચિરસ્મરણીય ઈતિહાસ છે. આજે પણ એ એટલો જ અનોખો અને પ્રેરક છે.
સત્સંગનો અદ્ ભૂત પરિચય આપનારો એ ઈતિહાસ સનાતન સંદેશથી સભર હોઈને, આજે પણ એવો જ અનેરો અને આકર્ષક લાગે છે તથા આત્માને અનુપ્રાણિત કરે છે. જે ઈતિહાસે રત્નાકરમાંથી મહર્ષિ વાલ્મિકીનું સર્જન કર્યું એ ઈતિહાસ અસાધારણ તથા ચિરંજીવ જ હોય ને ?
કહે છે કે વાલ્મિકી પોતાના પૂર્વ જીવનમાં રત્નાકર હતા અને સંગદોષથી લૂંટફાટના ધંધામાં પડી ગયેલા. પેલા સંસ્કૃત શ્લોકમાં ઠીક જ કહ્યું છે કે સત્સંગથી માણસના જીવનમાં શું નથી થતું ? (सत्संगति कथमपि न करोति पुंसाम ।) તેવી રીતે એના અનુસંધાનમાં કહેવું હોય તો કહી શકાય કે કુસંગથી પણ જીવનમાં શું નથી થતું ? જીવનને તે પતનની ગર્તામાં લઈ જાય છે, તેમજ પીડાના અથવા તો પશુતાના પારાવારમાં ધકેલી દે છે. વાલ્મિકી રત્નાકર હતા ત્યારે એમના સંબંધમાં પણ એવું જ બનેલું. લૂંટફાટ કરીને અન્યાય અને અધર્મથી પોતાનું જીવન ચલાવતાં.
પરંતુ એમના સદ્ ભાગ્યે એક દિવસ એમને દેવર્ષિ નારદનો સમાગમ થયો. પૂર્વનાં પૂણ્યનો ઉદય થાય તો જ આવા પરમાત્માપરાયણ સંતપુરૂષનો સમાગમ થઈ શકે. પરંતુ રત્નાકરે તો એમને પણ રસ્તામાં ઊભા રાખ્યા, અને જે હોય તે આપી દેવાની આજ્ઞા કરી. જે જડ કે અજ્ઞ હોય એને વળી સંત શું, મહંત શું, કે ભગવંત શું ? એને મન તો સૌ સમાન હોય.
નારદજીએ કહ્યું કે મારી પાસે તો વીણા વિના બીજું કાંઈ જ નથી. તેને લઈને હરિના ગુણાનુવાદ ગાતો હું પૃથ્વી પર ફર્યા કરું છું: પણ આવી રીતે કુકર્મ કરીને આજીવિકા ચલાવવી એ ભયંકર પાપ છે સમાજની સ્થિરતા ને શાંતિ આવી રીતે ન ટકી શકે.
રત્નાકરે કહ્યું કે સમાજની સ્થિરતાની મને નથી પડી. મને તો મારી ને મારા પરિવારની પડી છે.
'પરંતુ તું જે કુકર્મ કરે છે તેનું ફળ તો તારે જ ભોગવવું પડવાનું. જે કરે તે ભોગવે. તેમાં તારા પરિવારના સભ્યો ભાગ નહિ પડાવવાના. મારી વાતમાં વિશ્વાસ ના હોય તો ઘેર જઈને પૂછી આવ.’
નારદજીના શબ્દો સાંભળીને રત્નાકરે કહ્યું કે મને ઘેર પૂછવા મોકલીને તમારે નાસી જવું લાગે છે!
છેવટે નારદજીને એક વૃક્ષના થડ સાથે બાંધીને રત્નાકરે ઘર તરફ પ્રયાણ કર્યું.
ઘેર આવીને પૂછ્યું તો સૌ કોઈએ કહ્યું કે તમારા કુકર્મના ફળમાં અમે કાંઈ ભાગ પડાવીએ? એ તો જે કરે તે જ ભોગવે.
રત્નાકરની આંખ ઉઘડી ગઈ. એના પ્રાણમાં પ્રકાશ પ્રકટ્યો.
નારદજીને બંધનમુક્ત કરીને એણે કહ્યું : 'મારા જીવનમાં મેં કેટલાંયે પાપ કરેલાં છે. હું એમાંથી કેવી રીતે છૂટી શકાશ ? એમનું પ્રાયશ્ચિત શું ?’
નારદે કહ્યું : 'સર્વ પ્રકારનાં પાપોની નિવૃત્તિનો એકમાત્ર રામબાણ ઉપાય ફરીવાર પાપ ન કરવાનો સંકલ્પ કરવો તથા ઈશ્વરના નામનો આધાર લેવો તે છે. પાપ ગમે તેટલાં પ્રબળ હોય પરંતુ ઈશ્વરનું નામ એથી વિશેષ પ્રબળ છે. એનો આધાર લઈ લે એટલે થયું. પાપની ચિંતા કરવાની જરૂર નહિ રહે.’
નારદજીએ એને રામનામની દીક્ષા આપી.
અને પછી તો રત્નાકરે એ જ સ્થળે પલાંઠી મારી. રામનામનું નિરંતર ને સ્નેહપૂર્વકનું રટણ કર્યું.
કહે છે કે કીડીઓએ એની આજુબાજુ ઘર કર્યા, તો પણ એની તલ્લીનતા ન તૂટી.
એમ કરતાં કરતાં એક ધન્ય દિવસે રત્નાકરને ભગવાન શ્રી રામનું દર્શન થયું, અને રત્નાકરમાંથી વાલ્મિકીનો આવિર્ભાવ થયો. મહર્ષિ વાલ્મિકી !
સંસારના આધ્યાત્મિક ઈતિહાસમાં, સત્યસંગતિના પ્રભાવના એક અસાધારણ ઉદાહરણનો ઉમેરો થયો.
પરમાત્માપરાયણ મહાપુરૂષોના સમાગમથી શું ન થઈ શકે ? એવો કયો ચમત્કાર છે જેનું સર્જન ન થાય ? સૌથી મોટો ચમત્કાર જીવનના પરિવર્તન કે સુધારનો છે. એ ચમત્કાર પણ સહેજે સધાઈ જાય છે. તુલસીદાસ રામાયણમાં કહે છે કે કાગડા જેવી વૃત્તિવાળા માણસો સત્સંગથી કોયલ જેવા અને બગલા જેવી મનોવૃત્તિવાળા માણસો હંસ જેવા ડાહ્યા બની જાય છે, તે સાચું જ છે. લૂંટારામાંથી સંત અથવા તો રત્નાકરમાંથી વાલ્મિકી બનાવવાની સત્સંગમાં શક્તિ છે. ફક્ત તેનો જીવનસુધારને માટે સચ્ચાઈથી લાભ લેવાય એટલી જ વાર છે. સત્સંગ શોખ, દેખાદેખી કે રૂઢીરૂપ બનવાને બદલે જીવનની આવશ્યકતા, જીવનવિકાસનું સાધન થાય તે જરૂરી છે. તો જ તે લાભ પહોંચાડી શકે.
ભારતવર્ષમાં રત્નાકર ને નારદના સમાગમની આ વાત ચારે તરફ કહેવાય છે ને સંભળાય છે, પરંતુ તેમાંથી સાર ગ્રહણ કરીને અધર્મ, અનીતિ કે અન્યાયની સાથે છૂટાછોડા લેવાનું, કુકર્મનો ત્યાગ કરવાનું, પવિત્ર આજીવિકા ચલાવવાનું, અને સંકલ્પ કરવાનું વ્રત કેટલાકે લીધું ? કેટલાકે જીવનને નિર્મળ કર્યું ? કથા જીવનના ઉત્કર્ષને માટે છે એ વાત યાદ રહે તો જ લાભ થાય. નહિ તો કથા કથારૂપે જ વહેતી થાય. જીવનનું પ્રેરણાદાયક, પરિવર્તનકારક, તત્વ મટી જાય. આપણે ત્યાં વધારે ભાગે એવું જ બનતું રહ્યું છે. એ આવકારદાયક નથી જ.

- શ્રી યોગેશ્વરજી

1 comment:

  1. very true! katha jeevan na utkarsh ne maate chhe. e vaat yaad rahe to j laab thaay. nahi to katha, katha roopej vehti thaay.. so true!!!

    ReplyDelete